મજહબની એટલે તો ઇમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાઆનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી.
હિચકારું કૃત્ય જોઈને ઇન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઈ શયતાનની નથી.
ડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
ઉઠબેસમાં જો ભૂલ પડે મનના કારણે,
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શુ થશે ‘જલન’,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
-(જલન માતરી) જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી.