દિવસો જુદાઈન જાય છે

 


 

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,

મારો હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

 

ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,

અહીં આપણે તો જવું હતું, ફક્ત એકમેકના મન સુધી.

 

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,

જો અરજ કબૂલ હો આટલી, તો હ્રદયથી જાઓ નયન સુધી.

 

તમે રાજરાણીના ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !

તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

 

જો હ્રદયની આગ વધી ગનીતો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,

કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

-અબ્દુલ ગની દહીંવાલા